મુંબઈ. લૉકડાઉન દરમિયાન કાર્તિક આર્યને કોરનાવાઈરસને માત આપનાર તથા ડ્યૂટી કરનાર લોકોની હિંમત વધારવા માટે એક સીરિઝ શરૂ કરી છે. કાર્તિક આર્યને પોતાની સીરિઝનું નામ ‘કોકી પૂછેગા’ રાખ્યું છે. આ સીરિઝના પહેલાં એપિસોડમાં કાર્તિકે ગુજરાતની પહેલી કોરોના સર્વાઈવર સુમિતિ સિંહ સાથે વાત કરી હતી.
કાર્તિક આર્યને સુમિતિ સાથે વાત કરી હતી અને કોરોનાને લઈ કેટલાંક સવાલો કર્યાં હતાં. કાર્તિક સાથેની વાતચીતમાં સુમિતિએ કહ્યું હતું કે તે ગયા મહિને ફિનલેન્ડથી પરત ફરી હતી. તે ઘરમાં આઈસોલેશનમાં જ રહેતી હતી. એક જ ઘરમાં હોવા છતાંય તે પેરેન્ટ્સ સાથે ફેસટાઈમ પર વાત કરતી હતી. તેણે ઘરના લોકોને ઈન્ફેક્શન ના લાગે તે વાતનું પૂરું ધ્યાન રાખ્યું હતું. તેના ઘરમાંથી અને આસપાસમાંથી કોઈ પણ કોરોના પોઝિટિવ નથી.
કાર્તિક આર્યન ઈન્ટરવ્યૂ દરમિયાન સુમિતિ સિંહ સાથે ઘણી જ મસ્તી ધમાલ કરતો જોવા મળ્યો હતો. કાર્તિકે સુમિતિને સવાલ કર્યો હતો કે ‘મુન્નાભાઈ’માં એક સીન છે, જેમાં જીમ્મી શેરગીલને ખ્યાલ આવે છે કે તે ડ્રિંક પણ નથી કરતો, સ્મોક પણ નથી કરતો અને તેમ છતાંય તેને ગંભીર બીમારી થઈ છે. કાર્તિક આર્યન સુમિતિને સવાલ કરે છે, મેં સાંભળ્યું છે કે તમે ઓર્ગેનિક ટૂથબ્રશ યુઝ કરો છો, સેનિટાઈઝનો ઉપયોગ કરો છો, ફેસ માસ્ક લગાવીને ફરતા હતાં અને છતાંય તમને કોરોના થઈ ગયો તો તમને કોઈને હાય લાગી ગઈ? જેના જવાબમાં સુમિતિએ કહ્યું હતું કે ફિનલેન્ડથી પરત ફર્યાં બાદ તે પરિવારથી તદ્દન દૂર થઈ ગઈ હતી. તે જાતે જ પોતાના વાસણો ધોતી પરંતુ નસીબ ખરાબ હોવાને કારણે તે અમદાવાદની પહેલી કોરોના પોઝિટિવ પેશન્ટ બની ગઈ.
અન્ય એક સવાલમાં કાર્તિકે પૂછ્યું હતું કે તે છેલ્લીવાર ક્યારે ઈમોશનલ થઈ હતી? જેના જવાબમાં સુમિતિએ કહ્યું હતું કે જ્યારે તેની માતાનો કોરોનાવાઈરસના ટેસ્ટનો રિપોર્ટ હતો અને તે નેગેટિવ આવ્યો ત્યારે તેની આંખમાંથી આંસુ આવી ગયા હતાં અને તે ઘણી જ ભાવુક બની ગઈ હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે હોસ્પિટલમાં ક્યારે હસી હતી? તો જેના જવાબમાં સુમિતિએ કહ્યું હતું કે જ્યારે તે હોસ્પિટલમાં દાખલ હતી તો તેના ફ્રેન્ડ્સે સવાલ કર્યો હતો કે છેલ્લાં ચાર પાંચ દિવસથી તે મેસેજ કે ફોનના જવાબ કેમ આપતી નથી? તો સુમિતિએ કહ્યું હતું કે તે કોરોના પોઝિટિવ છે અને હોસ્પિટલમાં છે, જેના પર તેની એક ઓસ્ટ્રેલિયન ફ્રેન્ડે કહ્યું હતું કે તો તે ન્યૂઝમાં બધે ચર્ચામાં હશે, જેના પર સુમિતિએ જવાબ આપ્યો હતો કે તે હાલમાં ન્યૂઝમાં છે અને તેની ચર્ચા થઈ રહી છે.
કાર્તિકે સુમિતિને સવાલ કર્યો હતો કે તેને ફેસબુક પર અનેક મેસેજીસ મળ્યા હશે, તેમાંથી કોઈ ખાસ મેસેજ, જે તેને યાદ હોય? આના પર સુમિતિએ કહ્યું હતું કે એક મેસેજ તેને ફ્લર્ટ કરતો હોય તેવો લાગ્યો હતો, જેમાં એક વ્યક્તિએ તેના બ્લડ પ્લાઝમા વિશે પૂછ્યું હતું અને આંખ મારતી ઈમોજી શૅર કરી હતી.
વીડિયોના અંતે કાર્તિકે સુમિતિને મેસેજ આપવાનું કહ્યું હતું, જેમાં સુમિતિએ મેસેજ આપ્યો હતો કે હાલમાં ઘણાં કોરોના પોઝિટિવ પેશન્ટ્સ છે, જો તમારા ઓળખીતામાંથી કોઈને હોય તો તમારે એને પોઝિટિવ મેસેજ લખવો જોઈએ. મેસેજ ભલે સાવ નાનો હોય પરંતુ તેનાથી કોરોના સામે લડવાની હિંમત મળે છે. કાર્તિક આર્યને સુમિતિની બહેન સાથે પણ વાત કરી હતી.
Source: Divya Bhaskar